વરાછા મીનીબજારમાં ચોથા માળે હીરાના યુનિટમાંથી રૂ.80 હજારના હીરાની લૂંટ

વરાછા મીનીબજારમાં ચોથા માળે હીરાના યુનિટમાંથી રૂ.80 હજારના હીરાની લૂંટ

ઠાકોરદ્વાર સોસા.ના શ્રીહરિ બિલ્ડીંગમાં દેવ ફોરપીમાં બે કારીગરો રાતપાળીમાં કામ કરતા હતા ત્યારે મળસ્કે છરી સાથે ત્રણ યુવાન બુકાનીધારી ઘુસ્યા

વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં એક લૂંટારુની અટકાયત કરી

વરાછા મીનીબજારમાં ચોથા માળે હીરાના યુનિટમાંથી રૂ.80 હજારના હીરાની લૂંટ 1 - image

- ઠાકોરદ્વાર સોસા.ના શ્રીહરિ બિલ્ડીંગમાં દેવ ફોરપીમાં બે કારીગરો રાતપાળીમાં કામ કરતા હતા ત્યારે મળસ્કે છરી સાથે ત્રણ યુવાન બુકાનીધારી ઘુસ્યા

- વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં એક લૂંટારુની અટકાયત કરી


સુરત, : સુરતના વરાછા મીનીબજાર ઠાકોરદ્વાર સોસાયટી શ્રીહરિ બિલ્ડીંગના ચોથા માળે આવેલા હીરાના કારખાનામાં બે કારીગરો રાતપાળીમાં કામ કરતા હતા ત્યારે મળસ્કે મોઢે રૂમાલ બાંધી આવેલા ત્રણ યુવાનોએ છરીની અણીએ રૂ.80 હજારના હીરા અને બે મોબાઈલ મળી રૂ.90 હજારની લૂંટ કરી હતી.જોકે, વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી કાઢી એક લૂંટારુની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજકોટ જેતપુરના ખારચીયા ગામના વતની અને સુરતમાં ઉત્રાણ યમુના ચોક યમુના પેલેસ ઈ/2 308 માં રહેતા 35 વર્ષીય કૃણાલભાઈ પ્રવિણભાઈ ભુવા વરાછા મીનીબજાર ઠાકોરદ્વાર સોસાયટી શ્રીહરિ બિલ્ડીંગના ચોથા માળે ઓફિસ નં.406 માં દેવ ફોરપીના નામે હીરાને ઘાટ આપવાનું કારખાનું ધરાવે છે.તેમને ત્યાં બે ફોરપી મશીન ઉપર દિવસે સંદીપ અને રાતપાળીમાં હાર્દિક દિનેશભાઈ ભુવા તેમજ રૂપેશ ભવાનભાઈ બારૈયા નોકરી કરે છે.ગતરાત્રે રાતપાળીમાં નોકરીએ આવેલા હાર્દિક અને રૂપેશ ખાતામાં કામ કરતા હતા ત્યારે આજે મળસ્કે ત્રણ વાગ્યે બે અજાણ્યા મોઢા ઉપર રૂમાલ બાંધીને અંદર ઘુસી ગયા હતા.તે પૈકી એકે છરી બતાવી જે કંઈ હોય તે આપી દો હીરાનો માલ અને પૈસા તેમ કહેતા બંને ગભરાઈ ગયા હતા અને કશું બોલ્યા નહોતા.

વરાછા મીનીબજારમાં ચોથા માળે હીરાના યુનિટમાંથી રૂ.80 હજારના હીરાની લૂંટ 2 - image

આથી જેના હાથમાં છરી હતી તેણે રૂપેશના ગળા પાસે છરી રાખી ખબર નથી પડતી જે કંઈ હીરાનો માલ કે પૈસા હોય તે આપી દો તેવું ફરી કહેતા રૂ.80 હજારની મત્તાના 120 કેરેટ હીરા તેમને આપી દીધા હતા.તે સમયે મોઢા ઉપર રૂમાલ બાંધેલો અન્ય એક વ્યક્તિ હાથમાં છરી સાથે અંદર આવ્યો હતો અને ચાલો હવે બધું લઈ લીધું હોય તો તેમ કહેતા અગાઉ આવેલા બે પૈકી એકે બંને કારીગર પાસે તેમના મોબાઈલ ફોન માંગ્યા હતા અને તે લઈ ત્રણેય બહારથી દરવાજો બંધ કરી ભાગી ગયા હતા.કારીગરોએ દરવાજો ખખડાવતા બાજુના કારખાનવાળાએ દરવાજો ખોલ્યા બાદ બનાવ અંગે કૃણાલભાઈને મિત્ર મારફતે જાણ કરતા તે દોડી આવ્યા હતા.તેમણે ઓફિસ અને બિલ્ડીંગના સીસીટીવી કેમેરા જોયા તો તેમાં 20 થી 25 વર્ષના ત્રણ અજાણ્યા પૈકી બે 3.34 કલાકે ઓફિસમાં પ્રવેશતા અને બાદમાં અન્ય એક પ્રવેશતો નજરે ચઢ્યો હતો.

બનાવ અંગે કૃણાલભાઈએ વરાછા પોલીસને જાણ કરતા વરાછા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને કૃણાલભાઈની ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી કાઢી એક લૂંટારુની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Close Menu